કેનેડાના બ્રેમ્પ્ટનમાં 47 વર્ષ બાદ પ્રથમ ગુજરાતી પથિક શુકલને એવોર્ડ

કોવિડ-19 માં ભરૂચના નાગરિકે કેનેડાની બ્રેમ્પ્ટન સિટીમાં પોતાના સેવાકીય કાર્યો થકી ત્યાંના અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બની 47 વર્ષ બાદ ઇન્સપાયર એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીનું બહુમાન મેળવ્યું છે.

મૂળ ભરૂચના વતની પથિક શુક્લ 2012 માં કેનેડા બ્રેમ્પ્ટન સિટીમાં સ્થાયી થયા હતા. બ્રેમ્પ્ટન સિટી કાઉન્સિલ 1974 થી ત્યાંના નાગરિકો, લોકોને સામાજિક પ્રવૃતિઓમાં અંગત રસ સહિતના કર્યો માટે પ્રોત્સાહિત કરવા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરે છે.

એવોર્ડ કોને આપવો તે સિટી- રિજિયોનલ કાઉન્સિલના સભ્યો, પોલીસ-ફાયર ડિપાર્ટમેન્ટ, બ્રેમ્પ્ટન બોર્ડ ઓફ ટ્રેડના સભ્યોની સમિતિ નક્કી કરે છે. 2019-20 માટે વિજેતાઓને કોવિડ-19 ની સ્થિતિને ધ્યાને લઈ પ્રતીકાત્મક એવોર્ડ અપાયો છે.

2020 ના એવોર્ડ માટે બ્રેમ્પ્ટનના નાગરિક તરીકે ભરૂચના પથિક શુકલની પસંદગી કરાઈ છે. જેઓ કેનેડામાં બ્રેમ્પ્ટનમાં 47 વર્ષ બાદ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી બન્યા છે જે ભરૂચ જિલ્લા માટે પણ ગૌરવની વાત છે.

કોવિડ-19 માં બ્રેમ્પ્ટન સિટીમાં સમાજ ઉપયોગી સેવા, જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ અન્ય સાધન અને રાહત સામગ્રી સાથે વિલિયમ ઓસ્લર હોસ્પિટલના કોરોના વોરિયર્સ સ્ટાફને  ફૂડ પેકેટ પોહચાડી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

બ્રેમ્પ્ટન સિટી કાઉન્સિલ એ શહેરના અન્ય નાગરિકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા તેમના આ ઉમદા કાર્યને બિરદાવી ઇનસ્પાયરેશન એવોર્ડથી સન્માનિત કર્યા છે. પથિક શુક્લ હ્યુમન ફોર હાર્મોની સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. તેઓની એવોર્ડ સાથેની તસ્વીર બ્રેમ્પ્ટન સિટીના દરેક બસ સ્ટેન્ડ ઉપર લગાડવામાં આવી છે.

[Pathik Sukla was the student of First Batch of our Institute]